વાંચો માં આશાપુરા નો 600 વર્ષ જુનો કચ્છ સ્થિત માતા ના મઢ નો ઈતિહાસ….
કચ્છના પાટનગર, ભુજથી ઉત્તર પશ્ચિમે 80 કિ.મી. દૂર આવેલા, માતાના મઢ ખાતે આવેલું આશાપુરા માનું મંદિર, વીતેલાં 600 વર્ષમાં કચ્છના લોકોની આસ્થાનું જીવંત પ્રતીક બની ગયું છે.
ઈસુની 14મી સદીના પ્રારંભે લાખો ફુલાણીના પિતાના રાજદરબારમાં મંત્રી તરીકે રહેલા બે કરડ વાણિયાઓ અજો અને અનાગોરે આ મંદિર બનાવ્યું હતું, જેને કચ્છમાં આવેલા 1819ના ભૂકંપમાં ભારે નુકસાન થયું હતું એ પછી પાંચ વર્ષના ગાળામાં, આ મંદિરને બ્રહ્મક્ષત્રિય સુંદરજી શિવજી અને વલ્લભાજીએ ફરી બંધાવ્યું હતું. લગભગ 58 ફૂટ લાંબા, 32 ફૂટ પહોળા અને 52 ફૂટ ઊંચા એ પ્રાચીન મંદિરને કચ્છમાં ઈ. સ.2001 માં આવેલા મહાવિનાશક ભૂકંપમાં પણ નુકસાન થયું હતું અને તેનો ગુંબજ તૂટી ગયો હતો, પણ જોતજોતામાં આ મંદિરને હવે ભવ્યતમ બનાવી દેવાયું છે. અહીં બિરાજમાન આશાપુરા માની છ ફૂટ ઊંચી અને છ ફૂટ પહોળી, રાતા રંગની મૂર્તિ સ્વયંભૂ છે.
કચ્છના ક્રોમવેલ ગણાતા જમાદાર ફતેહમામદે પણ આ મંદિરને 41 વાટવાળી, બે કિલો વજનની ચાંદીની ‘દીપમાળા‘ ભેટ આપી છે. મંદિરના વડાને ‘રાજાબાવા‘ કહેવાય છે અને તેમનું વર્ચસ્વ હજુ રાજા જેટલું જ છે. કચ્છના રાજા જ્યારે માતાના મઢ જાય ત્યારે રાજા બાવાને અવશ્ય પ્રણામ કરવા પડે. રાજા ઊભા હોય અને રાજાબાવા સિંહાસન પર બિરાજે. આશાપુરા મા કચ્છ ઉપરાંત જામનગરના જાડેજાઓની ‘કુળદેવી‘ છે. જામનગર ખાતે ‘નાની આશાપુરા‘માનું મંદિર આવેલું છે.
કચ્છ આવતા પદયાત્રીઓની આગતા-સ્વાગતામાં કોઈ કમી ન રહે તેવો પ્રયાસ કચ્છીઓ કરે છે. છેક સૂરજબારીથી માતાના મઢ સુધીના માર્ગમાં ઠેર ઠેર છાવણીઓ બંધાય છે. કેટલાંક ગામોમાં તો પદયાત્રી કેમ્પ માટે કાયમી બાંધકામ કરી દેવાયાં છે. ભુજ-અંજાર માર્ગ પર અને ભચાઉ-દૂધઈવાળા રસ્તે, ગ્રામ્ય લોકો ઉત્સાહથી ‘રાહત કેમ્પ‘ ઊભા કરે છે. જ્યાં ચા-પાણી, નાસ્તા, જમણ, ઠંડા પીણાં, દવાઓ, ફળફળાદિ તો ઠીક છે, પરંતુ તબીબ અને ફિઝયોથેરાપિસ્ટ સુધ્ધાંની વ્યવસ્થા કરાય છે. આ કેમ્પો ‘રાઉન્ડ ધ ક્લોક‘ ચાલતા રહે છે. ભુજમાં તાલુકા પંચાયતની સામે મોટો કેમ્પ હોય છે, એ પછી મીરઝાપર સુધીના ત્રણ કિ.મી.ના ગાળામાં પાંચ કેમ્પ ઊભા થાય છે. પદયાત્રીઓમાં તબીબો, બેંક પ્રબંધકો સહિતના શિક્ષિત લોકો પણ હોય છે. મહિલાઓ, કૉલેજકન્યાઓ, ખેડૂતકન્યાઓ, શિક્ષિકાઓ કોઈ આ લહાવો ચૂકતું નથી. મુંબઈના શેઠિયાઓ, મહાજનો પણ સેવાકાર્ય માટે કચ્છમાં ધામા નાખે છે. ભુજમાં, આશાપુરા મંદિર પાસેના પંચહટડી ચોકમાંથી પદયાત્રીઓને વિદાય અપાય છે.
માતાના મઢ ખાતે લાખો શ્રદ્ધાળુઓ ઊમટે છે. ગામના વથાણમાંથી છેક માતાજીના મંદિર સુધીના રસ્તા પર નાળિયેરનાં છોતરાં એવાં પથરાઈ જાય છે કે જાણે નાળિયેરનાં છોતરાંની જાજમ બનાવી દેવાઈ હોય ! શ્રદ્ધાળુઓ કલાકો સુધી કતારમાં ઊભી સ્વયં શિસ્તથી ‘આશાપુરામા‘ની મૂર્તિનાં દર્શન કરી ધન્ય બને છે. હવનાષ્ટમીના દિવસે, માતાના મઢ ખાતે યોજાતા હવનમાં કચ્છી રાજવી? પરિવાર હાજર રહે છે. જાતર ચઢાવાય છે અને ‘પત્રી‘ પડવાનો વિધિ થાય છે. અહીં ચાચર માતાનું મંદિર, ચાચરા ફંડ અને ‘ચાચર ચોક‘ પણ આવેલા છે.
માતાના મઢને લુટીને રણમાં ભટકી ગયું હતું મુસ્લિમ સૈન્ય: કચ્છ દેશ દેવી તરીકે વિખ્યાત માં આશાપુરા દેશ દેવી કહેવાય છે તેની પાછળ અનેકો અનેક ઐતિહાસિક ઘટનાઓ અને તેમાય ખાસ કરીને માતાજીના પરચાઓની હારમાળા છે. પછી ભલે ને સુપ્રસિદ્ધ દાનવીર શેઠ જગડુશા હોય કે સિંધનો મુસ્લિમ બાદશાહ ગુલામ શાહ કલેશ હોય. નાના-મોટા સહુ શ્રદ્ધાળુઓને માતાએ પોતાના પાલવમાં સમાવી લીધા છે. તો તેઓએ નત મસ્તકે માંના આર્શીવાદ લીધા છે મઢના પ્રવેશદ્વાર પાસે રહેલો સદીઓ જુનો વિશાળકાય પિતળનો ઘંટ માતા પ્રત્યે મુસ્લિમ શાસકની શ્રદ્ધાનો પુરાવો છે.
સિંધના બાદશાહને પરચો મળ્યા બાદ થયેલ હૃદય પરિવર્તનનો સાક્ષી સમો વિશાળકાય ઘંટ મઢના પ્રવેશદ્વારને શોભાવે છે માતાનો મઢ શ્રદ્ધાળુઓ માટે એવો દરબાર છે જયાં નાના-મોટા કે નાત-જાતના ભેદભાવ નથી. એવું નથી કે અહીં માત્ર હિન્દુ શ્રદ્ધાળુઓજ આવે છે અહીંયા તો મુસ્લિમ પણ આવે જૈન પણ આવે ઈસાઈ પણ આવે અને શીખ પણ આવે છે. અહીંયા આવનારાઓ માત્ર શ્રદ્ધાળુઓ જ છે. તેમાં નાત-જાતના કોઈ બંધન નથી.
મઢ જાગીરના ટ્રસ્ટી ખેંગારજીભાઈના જણાવ્યા પ્રમાણે માતાની માનતા માનેલા અને પૂર્ણ થયે આર્શીવાદ લેવા તથા શ્રદ્ધા સાથે નમન કરવા તમામ જ્ઞાાતિનો લોકો માંના દરબારમાં આવે છે. માં આશાપુરા માત્ર ક્ષત્રિય કુળ કે હિન્દુઓની માતા નથી તે સમગ્ર દેશની દેવી છે. એવું નથી કે માના માત્ર તેના હિન્દુ શ્રદ્ધાળુઓને જ વરદાન કે આર્શીવાદ આપે છે તેના માટે તો માણસ માત્ર તેના સંતાન છે.
ઈતિહાસમાં એવી ઘણી બધી ઘટનાઓના વર્ણન છે. તેમા સિંધન બાદશાહ ગુલામ શાહ કલેરાની વાત તો જગ વિખ્યાત છે. પોતાના જ સ્થાનક કે લુટનાર બાદશાહને તેણે મદદ કરી હતી. એટલે જ દેશ દેવીનું વિખ્યાત મળી છે તેના મન ગુલામ શાહ લુંટારૃ કે મુસ્લિમ નહોતો પરંતુ માર્ગ ભુલેલ સંતાન માત્ર હતો અને ગુલામ શાહે પણ માં આશાપુરાની સહાય મેળવી પસ્તાવો કરી માતાના ચરણે લુંટેલું બધુ જ દ્રવ્ય ધરી દીધું હતું. સાથો સાથ યાદગીરીરૃપે વિશાળ કાય પિતળનો ઘંટમાં તે વખતની ભાષામાં વાત સ્વિકારી માતાને ભેટ ચડાવી હતી.
ઘટના સંદર્ભે ઐતિહાસિક વાત કંઈક આવી છે, કચ્છના રાવ ગોળજીના સમયમાં તેમના દિવાન પુંજા શેઠને રાવ ગોળજીએ પદભ્રષ્ટ કર્યા લોકવાયકા પ્રમાણે તેમને પદભ્રષ્ટ કરવા પાછળ રાજકીય ખટપટ અને ચડામણી કારણભૂત હતી. એ જે હોય તે પરંતુ પદભ્રષ્ટ થયેલા દિવાને બદલાની ભાવનાથી રાવ ગોળજીને સબક શીખડાવવા સિંધના મુસ્લિમ શાસક ગુલામ શાહ કલેરાને કચ્છ ઉપર આક્રમણ કરવા ઉશ્કેર્યા અને જોઈતી મદદ આપવાની તૈયારી પણ બતાવી.
રાજ ખટપટમા માહેર ગુલામશાહ આકડે મધ ભાવી કચ્છ કબ્જે કરવા પોતાની વિશાળ સેના સાથે પ્રયાણ કર્યું, આ તરફ પુંજા શેઠનો અંતર આત્મા જાગી ઉઠયો. નાની વાતને લઈ માદરે વતન સાથે ગદારી કરવા બદલે તેને પસ્તાવો થયો અને પોતાના માણસો દ્વારા ગુલામ શાહના સૈન્યને અબડાસા તરફના સુથરી સાંધાણા ગામ બાજુ મોકલવાનો સંદેશો પહોંચાડવાને રાવ ગોળજીને મળી પોતાની ભુલ અંગે માફી માગી હકિકતથી વાકેફ કરતા રાવે કચ્છનું સૈન્ય આના કર્યું ત્યાં જે લડાઈ થઈ તે ઈતિહાસમાં ‘ઝારાના યુદ્ધ’ તરીકે પ્રખ્યાત છે.
કચ્છી સૈન્યએ જોરદાર મુકાબલો કરી મચક નહી આપતા ગુલામશાહે પાછા વળવું હિતાવહ સમજયું અને તેણે છાવણી સંકેલી સિંધ તરફ પુનઃ પ્રયાણ કર્યું. કચ્છના મંદિરો તો શું એ સમયે ગુજરાતના તમામ મંદિરો પ્રજાની સમૃદ્ધિની ગાથા ગાતા હતા. મંદિરોમાં અઢળક દ્રવ્ય રહેતું છતા કયારેય ત્યાં પહેરા રહેતા નહીં કારણ કે જયાં ખુદ શકિત બીરાજમાન હોય ત્યાં માનવીનું શું ગજુ ?
ગુલામશાહનું સૈન્ય પાછા વળતા માતાના મઢ તરફથી નિકળ્યા અને મંદિરની જાહોજલાલી જોઈ તેની દાઢ સળકી અને તલવારની અણીએ પ્રતિકાર વગર મંદિરનું દ્રવ્ય લુંટી લઈ આગળ વધ્યો પણ આ તો મા જગદંબાનું સ્થાનક થોડીજ વારમાં રણમાં આંધી ઉડીને સૈન્ય માર્ગ ભુલી ગયું. આખી સેના ભટકવા લાગી ત્યારે કોઈ સમજુ માણસે બાદશાહને કહ્યું કે, આ મંદિર લુંટયુ તેથી માં આશાપુરા કોપાયમાન થયા, ત્યારે બાદશાહ વિચારમાં પડી ગયો તો માતાએ પણ પોતાના સંતાનના હૃદયમાં પસ્તાવો ઉભો કર્યો જેથી રોશની ફેલાઈ જેથી કલેરાએ પોતાની ભુલની માફી માંગી માતાની શરણાગતિ માંગતા થોડી જ વારમાં આંધી શમી ગઈ અને બાદશાહ માતાના મઢે પરત ફર્યો,
સઘળું દ્રવ્ય ત્યાં માતાના ચરણે મુકી દીધું અને માફી માંગી આ ઘટનાની સાક્ષીરૃપે પોતાના તરફથી પિતળનો વિશાળકાય ઘંટ જેનું વજન આશરે ર૦૦ કિ.ગ્રા.છે તે પણ પોતે ભેટ ધર્યો છે તેવા લખાણ સાથે ત્યાં મુકાવ્યો. આજે તો આ ઘટનાને સદીઓ વિતી ગઈ છે, ભૂકંપ અગાઉ ઘંટ મંદિરમાં હતો, ત્યાર બાદ હવે મંદિરના પ્રવેશદ્વાર પાસે જ માતા માટે માણસ માત્ર તેનું સંતાન છે અને મુસ્લિમ શાસકની માતા પ્રત્યેની શ્રદ્ધાનો પુરાવો આપતો ટીંગાયેલો છે.